Sunday 20 March 2011

ચકલી


પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે.
ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.

1 comment:

  1. એક સમયે સંખ્યાબંધ ચકલીઓનું ચીં... ચીં... ચીં.... સાંભળવા મળતું, હવે એ સાંભળવા મળતું નથી. ચકલીઓ ઘટી જવાના કારણો ઘણા છે. એક તો અગાઉના સમયમાં ખપેડા, નળિયાવાળા મકાનો હતા. હવે સિમેન્ટના સ્લેબ ભરાય છે. નળિયા અને ખપેડામાં ચકલીઓ માળા બાંધતી. બીજું જૂના ઘરની સિસ્ટમમાં અભેરાઈઓ હતી. લાકડાની અભેરાઈઓ ઉપર તપેલું ઉંધું પડ્યું હોય તો પણ તપેલાની નીચે ચકલીઓ માળા બાંધતી. હવે મોડર્ન મકાનોમાં અભેરાઈઓ રહી નથી. ગઢની રાંગની બખોલની નીચે માળા બાંધતી પણ હવે એટલી સંખ્યામાં ગઢ પણ નથી રહ્યા. હા, એક સમય એવો હતો કે, જૂની સિસ્ટમથી ઘરમાં દીવાલો ઉપર ફોટા ટીંગાતા. નાની ચેઈન કે વાયરથી મોટા ફોટાની પાછળ ચકલીઓ માળા બાંધતી. ફોટાનો ઉપરનો ભાગ નમેલો હોય. આ ફોટા ટીંગાડવાની સિસ્ટમ હવે નથી. ચકલીઓને આપણે સૌથી વધારે માળા બાંધતા જોઈ હોય તો એ છે, ટ્યૂબલાઈટની પટ્ટી. મોટાભાગે ચકલીઓ ટ્યૂબલાઈટની પટ્ટીમાં માળા બાંધતી. હવે નાની લાઈટ સીધી હોલ્ડરમાં ભરાવી દેવાય છે. પટ્ટી સિસ્ટમ પણ ઓછી થઈ એવી રીતે વીજ મીટરના બોક્સમાં સીલ આવવા લાગ્યા. નહીતર વીજ મીટરના બોક્સમાં ચકલીઓ માળા કરતી.

    બીજી મુદ્દાની વાત. ચકલીનો મુખ્ય ખોરાક ગણો તો બાજરો, જુવાર, કાંગ કે કમોદ છે, પણ હવે કપાસ અને મગફળીના વધારે વાવેતરના કારણે ચકલીનો મૂળ ખોરાક ઘટી રહ્યો છે, બીજુ ચકલી તેનો માળો જેનાથી બાંધે છે, તે મટીરીયલ તેને ઓછું મળે છે. ઘાસના તણખલા, સૂતળી કે સિંદરીના રેસા, સાવરણીની સળી આ બધાનું પ્રમાણ ઘટતું ગયું છે. ઘાસની વીડી ઓછી થઈ ગઈ છે. સૂતળી અને સિંદરીના બદલે નાઈલોનની દોરી આવી ગઈ છે. ઘરમાં પ્લાસ્ટીકના સાવરણા આવી ગયા છે. સફાઈનું પ્રમાણ વધી ગયું છે. મહાપાલિકાની નવી પ્રથા ઘરે ઘરે કચરો લેવા જવાની છે. લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બન્યા છે અને તેના કારણે ચકલાંને જે ખોરાક કે માળો બાંધવા મટીરિયલ મળવું જોઈએ તે નથી મળતું.

    સવાલ એ આવે કે, શહેરમાં પહેલાં જેમ ચકલી દેખાતી તે હવે જોવા મળતી નથી, તો શું ચકલી લુપ્ત થઈ ગઈ છે ? આ સવાલનો જવાબ એવો છે કે, ના ચકલી લુપ્ત થઈ નથી, ઓછી જરૂર થઈ ગઈ છે. હવે ઘરના પંખીને બચાવવા લોકોએ રસ દાખવવો પડશે.

    ReplyDelete